ગઝલ
સ્વભાવ નોખો, અદબ અનોખી,
હશે સ્વજન પણ જરાક નોખું.
લહું સદંતર અભાવ એનો,
થશે મિલન પણ જરાક નોખું.
કમાલ છે કે સદાય રૌશન
રહે પ્રવાસો, તમામ શ્વાસો,
મને વરે એ જ અંત એવો,
મળે કફન પણ જરાક નોખું.
અકળ બળાપે તલાશ કર તું,
હવા ચરણને છળી જશે ક્યાં?
તમામ ચિંતા મને જ ભેંટે,
કરે મનન પણ જરાક નોખું.
મુઠી ભરેલા સવાલ જેવી,
કદાચ ઓળખ થશે જ મારી,
સપાટ શબ્દો, કથા વિનાનું
હશે કવન પણ જરાક નોખું.
અવાક્ શાને રહે દિશાઓ
પ્રકાશના પણ અવાજ નોખા,
અતળ તળાતળ બધું જ ગૂંજે,
થશે સ્ખલન પણ જરાક નોખું.
મૌલિક શ્રોત્રિય
દાહોદ
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો