અંત વગરનું ભારણ લઇને ઝરતી ઈચ્છાનું તો એવું.
અજર અમર પરપોટો થઇને તરતી ઈચ્છાનું તો એવું.
મઘમઘતાં અજવાળે ચિતરીને મૂક્યાં વાસંતી પગલાં,
પીળા અંધારે પાન સમું ખરતી ઈચ્છાનું તો એવું.
રાતો’ને નીંદર વચ્ચે ગોરંભાતું વરસાદી સપનું,
આંખે સૂક્કા દરિયા સમ વિસ્તરતી ઈચ્છાનું તો એવું.
પાપણના પલકારે જાણે કીડીયારા સમ ઉભરાતી,
આમ જુઓ તો ક્યાંય કશે ના ઠરતી ઈચ્છાનું તો એવું.
રસ્તા પર છુટ્ટી મૂકી દો ખુદની જાત હવે તો ‘મૌલિક’
ખોટ વગર હરતી ફરતી અવતરતી ઈચ્છાનું તો એવું.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો